ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
રાજપૂત છાત્રાલય ખાતે આયોજન
ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું
પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી રહ્યા ઉપસ્થિત
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીના ખેડૂત સ્વાભિમાન સંમેલનમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ ખેડૂતોના પ્રશ્ને રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા
ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ‘ખેડૂત સ્વાભિમાન સંમેલન’ યોજાયું હતું. ભરૂચ જિલ્લામાં ખેડૂતોની સંમતિ કે યોગ્ય વળતર વિના વીજ થાંભલા ઊભા કરવા અને હાઇ ટેન્શન લાઇનો નાખવાના આક્ષેપોને લઈ સંમેલનમાં ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો હતો.મીડિયા સાથેની વાતચીતમાં ઈશુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
જૂના કાયદાઓ નો સહારો લઈ પોલીસ અને તંત્રના બળે ખેડૂતો પર દબાણ કરવામાં આવતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમજ સરકાર અને ઉદ્યોગપતિઓની મિલીભગત ના આક્ષેપ સાથે કંપનીઓના નફા માટે ખેડૂતોની જમીનનો ઉપયોગ થતો હોવાનો દાવો કર્યો હતો.ગઢવીએ ખેડૂતોને જમીનના બજાર ભાવના ચાર ગણું વળતર આપવાની માંગ કરી હતી. ઉપરાંત ૨૫ વર્ષ સુધી વીજ લાઇન રહેવાની હોવાથી ભવિષ્ય ની કિંમતને ધ્યાને લઈ વળતર ચૂકવવા અથવા ખેડૂતોને માસિક ભાડું તથા કંપનીના નફામાં હિસ્સો આપવાની માંગ કરી હતી.
ચૈતર વસાવા અને મનસુખ વસાવા મુદ્દે પણ ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે ચૈતર વસાવાને ષડયંત્રપૂર્વક જેલમાં ધકેલ્યાનો આક્ષેપ કર્યો હતો અને મનસુખ વસાવા માત્ર દેખાડો કરતા હોવાની ટિપ્પણી કરી હતી.
