ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અનોર ગામના 19 બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે.બાળકોએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરતા દરેક બાળકની પગની છાપ લઇ ઐતિહાસિક પળોને યાદગાર બનાવવામાં આવી છે.
આમોદ તાલુકાના અનોર ગામના 19 બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજ્જવળ કર્યું હતું.આ ઐતિહાસિક સિદ્ધિના બદલ ગામ લોકો દ્વારા બાળકોના સન્માન માટે સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનોર ગામના BAPS મંદિરના બાળ કાર્યકરના ઘરેથી બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભવ્ય રેલીમાં જોડાયા હતા.રેલી દરમિયાન બાળકો ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના સંસ્કૃત શ્લોકોનું પઠન કરતા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા.ભક્તિમય વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમની સિદ્ધિને વધાવી લીધી હતી.રેલી સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણ ખાતે પહોંચી હતી.જ્યાં ગામ લોકોના સહયોગથી બાળકોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિમાં 14 બાલિકાઓ અને પાંચ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આગેવાનોએ બાળકોની મહેનત, અનુશાસન અને સંસ્કારપૂર્ણ કાર્યની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ સફળતા પાછળ અનોર ગામના BAPS મંદિરના બાલિકા કાર્યકર પારુલ પરમાર અને બાળ કાર્યકર રાજેન્દ્ર પરમારનું વિશેષ યોગદાન રહ્યું હતું.બંનેએ બાળકોને નિયમિત માર્ગદર્શન આપી ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોની સઘન પ્રેક્ટિસ કરાવી હતી.તેમના સતત પ્રયાસો અને પ્રેરણાના પરિણામે બાળકો આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા હતા.બાળકોએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરતા દરેક બાળકની પગની છાપ લઇ ઐતિહાસિક પળોને યાદગાર બનાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,તારીખ 2જી ફેબ્રુઆરી,2026ના રોજ વડોદરા ખાતે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ફોરમ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કુલ 12,723 બાળકોએ એકસાથે ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મોઢે પઠન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.આ વિશ્વવિક્રમી આયોજનમાં અનોર ગામના 19 બાળકોએ પણ ભાગ લઈ ગામનું તથા સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
