સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રત્યેક વર્ષે 21 જૂન “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત અદાણી ફાઉન્ડેશન સંચાલિત ઉત્થાન પ્રોજેક્ટની વાગરા તાલુકાની 14 શાળાઓમાં “વિશ્વ યોગ દિન”ની ઉજવણીના ભાગરૂપે ગત તા. 14 જૂનથી એક સપ્તાહ સુધી વિવિધ પ્રવ્રુતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

વાગરા તાલુકાની શાળાઓમાં ધોરણ 6થી 8ના કુલ 1350 જેટલા બાળકોને રોજ એક કલાક શાળાના શિક્ષકો અને અદાણી ફાઉન્ડેશન, દહેજના ઉત્થાન સાહાયકો દ્વારા યોગથી થતા ફાયદા અને યોગ વિષે માર્ગદર્શન આપી યોગ નિદર્શન કરી બાળકોને યોગ કરાવવામાં આવ્યા હતા. “વિશ્વ યોગ દિન”ના ભાગરૂપે વાગરા તાલુકાના લખીગામ, લુવારા, જાગેશ્વર, દહેજ, જોલવા, સુવા, રહિયાદ, કોલિયાદ, વેગણી, અને કલાદરા ગામના વિદ્યાર્થીઓએ તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ભદ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન, શશાંકાસન, વક્રાસન, ભૂજંગાસન, શલભાસન, મકરાસન, સેતુબંધાસન, પવન મુક્તાસન અને શવાસન જેવા આસન નિષ્ણાંત શિક્ષકના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યા હતા. મન સંતુલિત રહે અને પ્રત્યેક જન સ્વસ્થ, શાંત, આનંદી અને પ્રિય બનવાનો પ્રયત્ન કરે તે માટે પોતાના સ્વાસ્થ્ય તેમજ શાંતિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા, તથા અંતમાં શાંતિ પાઠ કરવામાં આવ્યો હતો. એક અઠવાડીયા સુધી રોજ સવારે યોગ કરવા માટે વિદ્યાર્થી અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોમાં જ્ઞાનવર્ધન માટેના રસપ્રદ પ્રયોગને વધાવવા શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એક સપ્તાહની તૈયારી બાદ વિશ્વ યોગ દિવસના દિને પણ વાગરા તાલુકાની સરકારી શાળાઓમાં યોગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.