ભરૂચની દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે યોજાનારી ‘સેવા જ્યોતિ યાત્રા’ને પગલે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ સુધી યોજાનારી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો અને વાહનો એકત્ર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જામ અને અકસ્માત નિવારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક પ્રતિબંધ તથા ડાયવર્ઝનની વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ આર.બી. ભોગાયતા દ્વારા તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૭:૦૦થી બપોરે ૧૨:૩૦ કલાક સુધી સંબંધિત માર્ગો પર ટ્રાફિક પ્રતિબંધ અને ડાયવર્ઝનનો હુકમ કરવામાં આવ્યો છે.
આ માર્ગો પર રહેશે પ્રતિબંધ
એ.બી.સી. સર્કલથી નર્મદા મૈયા બ્રિજ: એ.બી.સી. સર્કલથી મોટા વાહનો તથા દૂધધારા ડેરી ગ્રાઉન્ડના ગેટ સામેથી નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
અંકલેશ્વરથી એ.બી.સી. સર્કલ: નર્મદા મૈયા બ્રિજ પરથી એ.બી.સી. સર્કલ તરફ જતા વાહનોને શીતલ સર્કલ સર્વિસ રોડ ઉતરતા કટથી નર્મદા મૈયા બ્રિજના ઉપરના ભાગે અટકાવવામાં આવશે.
શીતલ સર્કલથી એ.બી.સી. સર્કલ: આ માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે.
ભૃગુઋષિ બ્રિજ પશ્ચિમ દિશા: જૂની મામલતદાર કચેરી તરફના આ બ્રિજ પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
જ્યોતિનગર ટર્નિંગથી બૌડા સર્કલ: આ માર્ગ પર પણ વાહન વ્યવહાર બંધ રહેશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો
એ.બી.સી. સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તરફ જતા વાહનો નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ઓવરબ્રિજ, કેબલ બ્રિજ થઈ અંકલેશ્વર તરફ જઈ શકશે. નાના વાહનો જી.આઈ.ડી.સી., સુરભી સોસાયટી, ધર્મનગર ટાઉનશીપ અને કસક સર્કલ થઈ શીતલ સર્કલ નજીકના કટ પરથી નર્મદા મૈયા બ્રિજ થઈ અંકલેશ્વર તરફ જઈ શકશે.
અંકલેશ્વરથી એ.બી.સી. સર્કલ તરફ જતા વાહનો શીતલ સર્કલ સર્વિસ રોડ, કસક સર્કલ, ઝાડેશ્વર રોડ, જ્યોતિનગર, ધર્મનગર ટાઉનશીપ, સુરભી સોસાયટી અને જી.આઈ.ડી.સી. થઈ દૂધધારા ડેરી માર્ગે એ.બી.સી. સર્કલ તરફ જઈ શકશે.
ભૃગુઋષિ બ્રિજ તરફ જતા વાહનો બ્રિજ નીચેથી રેલવે ગોદી રોડ, રેલવે સ્ટેશન સર્કલ અને કસક સર્કલ થઈ શીતલ સર્કલ તરફ જઈ શકશે. તેમજ નંદેલાવ ઓવરબ્રિજ થઈ એ.બી.સી. સર્કલ તરફ પણ અવરજવર કરી શકાશે.
જ્યોતિનગર ટર્નિંગ તરફ જતા વાહનો કસક સર્કલ અથવા ધર્મનગર ટાઉનશીપ, સુરભી સોસાયટી અને જી.આઈ.ડી.સી. થઈ દૂધધારા ડેરી મારફતે એ.બી.સી. સર્કલ તરફ જઈ શકશે.
