• ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણી

  • પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાય

  • ભાજપે સત્તા ટકાવી રાખી

  • કોંગ્રેસના ટેકાથી ભાજપે સત્તા બચાવી

  • ભારે રસાકસી જોવા મળી

ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી હતી. કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે જાહેર થયા હતા
ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા “ઉલટી ગંગા” જોવા મળી હતી. સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ આમ આદમી પાર્ટી ને સત્તાથી દૂર રાખવા માટે સાથે આવી ગઠબંધન કર્યું હતું. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. જોકે આપના એક સભ્યના નિધન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રસાકસીભરી બની હતી.ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આપના સભ્યો બાઉન્સરોની ફોજ સાથે કચેરીએ પહોંચ્યા હતા, જ્યારે સમર્થકોના જમાવડા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પરિણામે પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી.ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જીતના દાવા કર્યા હતા. 
બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના મહામંત્રી પરેશ પટેલએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસકાર્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહિલા સભ્યએ ભાજપને સમર્થન આપ્યું હતું.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ બની છે.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પાડોશી જિલ્લા નર્મદામાં સંમેલન કરી રહ્યા છે એવા જ સમયે નેત્રંગમાં આમ આદમી પાર્ટીના મુખે સત્તાનો કોળિયો આવતો આવતો રહી ગયો છે.