હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા કોરોના મહામારીમાં સપડાયેલા દર્દીઓ માટે મદદરૂપ બની સેવાની સરવાણી વહાવી રહ્યા છે. જે અંતર્ગત પાલેજ નજીક આવેલ આમોદ તાલુકાના ઇખર ગામના હોલમાં ઓક્સિજનની સુવિધા સાથેનું હોમ બેજડ કોવિડ કેર સેન્ટર ખુલ્લું મુકાયું હતું.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લઇ ઇખર તાલુકો આમોદ ખાતે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહે તે માટે ઇખર ખાતે 40 બેડની ઓક્સિજન સુવિધા સાથે હોમ બેજડ કોવિડ કેર સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાઇરસનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે જિલ્લા કક્ષાએ હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે. ઇખર ગામે કોવિડ કેર સેન્ટરનો બુધવારથી આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના બોલર મુનાફ પટેલ વિશેષ ઉપસ્થિત હાજર રહ્યા હતા.
વર્લ્ડ વ્હોરા ફેડરેશન ફાઉન્ડેશનના અગ્રણી યુનુસ પટેલે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત દર્દીઓને ભરૂચ વડોદરા જવું નહિ પડે અને ઇખરમાં ઘર આંગણે જ સુવિધા મળી રહે તે હેતુસર હોમ બેજડ સેન્ટર શરૂ કરાયું છે. સાથે સાથે નોડલ ઓફિસર તબીબો નર્સિંગ સ્ટાફ મદદનીશ સ્ટાફની સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જે કોવિડના પોઝિટિવ દર્દીઓ કે જે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં હોય તેમને ભરૂચ ખસેડવામાં આવશે. ઇખર ખાતે અત્યંત હળવા લક્ષણો મોડરેટ કેસોની સારવાર આપવામાં આવશે.
ઇખર સેન્ટરને સામાજિક સેવાભાવી સંસ્થાઓ વિદેશમાં વસવાટ કરતાં નાગરિકો દ્વારા કોવિન્ડ કેર સેન્ટરને અનુદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજરત મુફ્તી અહમદ સાહેબ દેવલા દારૂલ કુરાન જબુંસર અલ મહમૂદ જનરલ હોસ્પિટલ, જબુંસર-આમોદના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, વર્લ્ડ વ્હોરા પટેલ ફેડરેશન ફાઉન્ડેશનના અગ્રણી યુનુસ પટેલ, વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના સલીમ ફાંસીવાલા, સુલેમાન જોલવા, મેહબુબ કાકુજી, ઉસમાન મીડી, ડો. યુનુસ તલાટી, મકબુલ ખંખારા ઇખર પંચાયત સરપંચ તથા અગ્રણી હારુન ગુલામ ચાંચવેલીયા ઉપસ્થિત રહ્યા હતા.