ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જરોઇ ગામે 8 વર્ષીય બાળકીને કોઈ ઝેરી જાનવરે ડંખ મારતા તેનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના જરોઇ ગામે રહેતા રાજેસ વસાવા પોતે ખેત મજૂરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. રાજેશ વસાવા અને તેમનાં પત્ની વહેલી સવારે ખેતરે મજુરી કામ કરવા ગયા હતા. તે સમયે તેમની 8 વર્ષની પુત્રી નંદિની ઘરે એકલી હતી, ત્યારે ઘરમાં કોઈ ઝેરી જાનવરે તેને ડંખ મારી લેતા તેણીએ બૂમાબૂમ કરી હતી. જેથી આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. બાળકીના માતા-પિતાને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોતાની બાળકીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી રહી હતી, ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સમાં બાળકીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. બાદમા બાળકીને ઉમલ્લા સરકારી દવાખાને લઈ જતાં, ત્યાં ફરજ પરના હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. તબીબે જણાવ્યું હતું કે, બાળકીને કોઈ અત્યંત ઝેરી જાનવરે ડંખ માર્યો હોવાથી તેનું ગણતરીની મિનિટોમાં જ મોત નીપજયું હતું.
