ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગુરુવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં 7 કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન કરવામાં આવ્યું હતું. આજે અનંત ચૌદશના રોજ ભરુચ જીલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલે બરસ તું જલ્દી આના..કોલ સાથે વિદાય આપી હતી.ભરૂચમાં જે.બી. મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વરમાં 3 કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા.

જ્યાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી નિહાળી હતી.અંકલેશ્વરમાં પાલિકા દ્વારા 4 કૃત્રિમ કુંડ બનાવાયા હતા. જયારે નોટિફાઇડ એરિયા ડીપીએમસી દ્વારા અંકલેશ્વરમાં 1 કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. ભરૂચ અને અંકલેશ્વરના 7 કૃત્રિમ કુંડોમાં શ્રીજીની પ્રતિમાઓનું નિર્વિઘ્ને વિસર્જન પાર પડાયું હતું.

જ્યારે નર્મદા નદીમાં ભરુચ નીલકંઠેશ્વર નર્મદા કિનારે અને ગોલ્ડન બ્રિજ ખાતે મુર્તિ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો 9 ફૂટથી મોટી ગણેશ મૂર્તિઓનું ભાડભુતમ ખાતે ક્રેનની મદદ વડે વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.જીલ્લામાં શાંતિભર્યા વાતાવરણમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું.