/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/08115838/maxresdefault-85.jpg)
જુન મહિનામાં અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાની સાથે
ભરૂચ જિલ્લામાં વરસાદે દસ્તક દીધી હતી. વાયુ વાવાઝોડાથી શરૂ થયેલો વરસાદ મહા
વાવાઝોડા સુધી અણનમ રહયો છે. છેલ્લા છ મહિના ઉપરાંતથી વરસી રહેલા વરસાદના કારણે જન
જીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ગુરૂવારે રાત્રે અંકલેશ્વર અને હાંસોટ
તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અન્ય તાલુકામાં પણ મેઘરાજાની મહેર જોવા
મળી હતી.
ભરૂચ જિલ્લાવાસીઓ આ વર્ષે સૌથી લાંબા ચોમાસાનો અનુભવ કરી રહયાં છે. જુન મહિનામાં આવેલાં વાયુ વાવાઝોડાના કારણે જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ હતી. જુન મહિનાથી ચાલુ થયેલો વરસાદ નવેમ્બર મહીનામાં પણ અણનમ રહયો છે. મહા વાવાઝોડાના કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. ગુરૂવારે રાત્રિના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યાં બાદ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. ખાસ કરીને ડાંગરની ખેતી કરતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાત્રિના સમયે શરૂ થયેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જુન મહિનાથી શરૂ થયેલો વરસાદ નવેમ્બર માસમાં પણ તેના તેવર બતાવી રહયો છે.
છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરવામાં આવે તો, આમોદમાં 04 મીમી, અંકલેશ્વરમાાં 35 મીમી, ભરૂચમાં 08 મીમી, વાલીયામાં 14 મીમી, ઝઘડીયામાં 10 મીમી, હાંસોટમાં 23 મીમી, જંબુસરમાં 02 મીમી, નેત્રંગમાં 10 મીમી અને વાગરામાં 07 મીમી વરસાદ વરસ્યો છે. શુક્રવારે સવારે પણ ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહયું હતું પણ મેઘરાજાએ ખમૈયા કર્યા હતાં.