ભરૂચ સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટની કચેરીમાં નર્મદા એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવીને ₹40 હજારની લાંચ લેતા વર્ગ-1 ના અધિકારી મદદનીશ કમિશ્નર અને વર્ગ-2 ના મહિલા ડ્રગ્સ ઈન્સ્પેક્ટરને રંગેહાથ ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ભરૂચના એક વેપારીએ દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સમાં અરજી કરી હતી. આ લાઈસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવા માટે ડ્રગ્સ ઈન્સ્પેક્ટર સુરભીબેન દેશાઈએ અરજદારને જણાવ્યું હતું કે, તમારા લાઈસન્સની પ્રક્રિયા થઈ જશે, પણ 40 થી 50 હજાર રૂપિયા સાહેબને આપવા પડશે.વેપારી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. નર્મદા ACB PI ડી.ડી. વસાવાની ટીમે આજે મંગળવારે ભરૂચ મદદનીશ કમિશ્નરની ચેમ્બરમાં જ લાંચનું છટકું ગોઠવ્યું હતું.અરજદાર પાસેથી આરોપી મદદનીશ કમિશ્નર પ્રકાશ નાનકરામ પોસનાની અને ડ્રગ ઈન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈએ લાંચ પેટે ₹40 હજારની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી બંને અધિકારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.