ભરૂચના આમોદ તાલુકાના તેલોદ ગામે દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે સેવાકીય અભિયાન અંતર્ગત સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આમોદ મામલતદાર ડૉ. મયુર વડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 20 જેટલા દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
SMP ચેરિટેબલ ટ્રસ્ટ તથા DMCC સ્પેશિયાલિટી કેમિકલ કંપનીના સહયોગથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોને રોજિંદા જીવનમાં આવન-જાવન માટે સરળતા મળી રહે અને તેઓ વધુ આત્મનિર્ભર બની શકે તે રહ્યો હતો.સાયકલ મળતા દિવ્યાંગ મહિલાઓ અને પુરુષોના ચહેરા પર ખુશી અને સંતોષનું સ્મિત જોવા મળ્યું હતું. દિવ્યાંગ વ્યક્તિઓને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે આવા પ્રયાસો માત્ર સહાય પૂરતા નથી, પરંતુ તેમના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાને પણ મજબૂત બનાવે છે.આ પ્રસંગે આમોદ મામલતદાર ડૉ. મયુર વડિયા, DMCC કંપનીના HR પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
