નેપાળમાં કુદરતી આફતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ચીન-તિબેટ સરહદે આવેલા ઉત્તરીય નેપાળના વિસ્તારોમાં બુધવારે અચાનક આવેલા વિનાશક પૂરે મોટા પાયે તારાજી સર્જી છે. તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં આવેલા ભારે પાણીના પ્રવાહને કારણે નદી કિનારાના અનેક ગામો, બાંધકામ સ્થળો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ હોનારતમાં હજારો લોકો ગુમ થયા હોવાની આશંકા છે, જ્યારે અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
કાઠમંડુ પોસ્ટ અને નેપાળના પૂર પૂર્વાનુમાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે આશરે 9 વાગ્યે તિબેટ સરહદ પારથી ભોટેકોશી નદીમાં અચાનક પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું હતું. આ પ્રવાહ બપોર સુધીમાં ધાદિંગ જિલ્લાના ગલ્છી વિસ્તાર સુધી પહોંચી ગયો હતો.
રસૂવા જિલ્લાના તિમુરે અને આસપાસના સ્યાફ્રુબેસી વિસ્તારમાં આ પૂરના કારણે વાહનો, સામાન અને મકાનો તણાઈ ગયા હતા. ઉત્તરગયા ગ્રામીણ નગરપાલિકાના ડેપ્યુટી ચેરપર્સન ચમેલી ગુરુંગના જણાવ્યા મુજબ, સ્યાફ્રુબેસી, બેત્રાવતી, મૈલુંગ, સલ્લેતાર, શાંતિબજાર, પૈરેબેસી, ખાલતી બસ્તી, સોલે, ત્રિશૂલી અને બત્તાર સહિત લગભગ એક ડઝન જેટલી વસાહતો ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. પુલ ધરાશાયી થવાની સાથે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
