રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે ગુજરાતની માતાઓ અને બહેનોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાની એક શાનદાર ભેટ આપી છે. ભાઈ-બહેનના આ પવિત્ર તહેવાર નિમિત્તે મુસાફરી વધુ આસાન બને તે માટે 101 નવી નક્કોર એસ.ટી. (ST) બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી લીલી ઝંડી આપીને આ તમામ બસોને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં એક ખૂબ જ સુંદર અને ભાવનાત્મક દ્રશ્ય જોવા મળ્યું હતું. એસ.ટી. નિગમમાં ફરજ બજાવતી મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધનની એડવાન્સમાં ઉજવણી કરી હતી. આ તકે નાયબ મુખ્યમંત્રીએ નવી બસોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને એસ.ટી. કર્મચારીઓનો દિલથી આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે આખું રાજ્ય તહેવારો મનાવતું હોય છે, ત્યારે એસ.ટી.ના ડ્રાઈવર, કંડક્ટર અને ઓપરેશન સ્ટાફ પોતાના પરિવારને છોડીને 24×7 જનતાની સેવામાં લાગેલા રહે છે. રાજ્યની માતા-બહેનોની સુવિધા માટે તહેવારની ઉજવણીનું બલિદાન આપનાર અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર એસ.ટી. નિગમના તમામ કર્મચારીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

સરકાર દ્વારા લોકાર્પિત કરાયેલી આ નવી 101 બસોમાં મુસાફરોની સુવિધાનું પૂરું ધ્યાન રખાયું છે, જે રક્ષાબંધનના વિશેષ સંચાલનમાં પણ ઉમેરાશે. આ કાફલામાં નીચે મુજબની બસોનો સમાવેશ થાય છે:

71 સુપર એક્સપ્રેસ બસો

20 મિડી બસો

10 સ્લીપર કોચ

રક્ષાબંધનમાં બહેનો પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવા જતી હોય છે, ત્યારે બસોમાં ભારે ભીડ જોવા મળે છે. મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે તારીખ 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવાનું સઘન આયોજન કરાયું છે.

આ વિશેષ બસો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાંથી દોડશે.

આ ઉપરાંત અંબાજી, પાવાગઢ અને સોમનાથ જેવા પ્રમુખ યાત્રાધામોના રૂટ પર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મુસાફરોની સરળતા માટે ડેપો પર જઈને અથવા ઓનલાઈન પણ એડવાન્સ બુકિંગ કરાવી શકાશે.