ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડીને મહત્વની સફળતા મેળવી છે. આરોપી રાજસ્થાનની બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ડ્રગ્સ સપ્લાયમાં સંડોવાયેલ મુખ્ય આરોપી સંજય ગંગારામ જાતે બિશ્નોઈ પોલીસ પકડથી બચવા સતત સ્થળ બદલતો ફરાર હતો.પોલીસે આરોપી રાજસ્થાનના ફલોદી જિલ્લાના દયાકોર ગામની આસપાસ હોવાની માહિતી મળી હતી.ત્યારબાદ ભરૂચ પોલીસની વિશેષ ટીમ રાજસ્થાન પહોંચી હતી. સ્થાનિક લોકોનો વિશ્વાસ મેળવી સતત બે દિવસ સુધી ગુપ્ત દેખરેખ રાખ્યા બાદ પોલીસે દયાકોર ગામેથી ફરાર આરોપી સંજય ગંગારામ જાતે બિશ્નોઈને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
