અમદાવાદીઓના આરોગ્ય માટે મનપાનો મોટો નિર્ણય
11 હજારથી વધુ રેસ્ટોરન્ટના રસોડામાં CCTV કેમેરા લગાવવા તાકીદ
થાળીમાં પીરસાતી વાનગીની શુદ્ધતા દેખાશે સીધી નજરે
ડાઇનિંગ એરિયામાં થશે કિચનનું લાઈવ પ્રસારણ
રેસ્ટોરન્ટમાં જમતા પહેલા સ્ક્રીન પર દેખાશે રસોડાની લાઈવ કામગીરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 11 હજારથી વધુ ફૂડ સંચાલકોને રસોડામાં CCTV કેમેરા લગાવવા તાકીદ કરી છે. હવે ડાઇનિંગ એરિયાની સ્ક્રીન પર કિચનની કામગીરીનું લાઈવ પ્રસારણ જોઈ શકાશે.
બહાર ખાવાના શોખીન અમદાવાદીઓ માટે પરિવારનું સ્વાસ્થ્ય હંમેશા સર્વોપરી રહ્યું છે. થાળીમાં પીરસાતી વાનગી કેટલી શુદ્ધ અને કેવા વાતાવરણમાં તૈયાર થઈ છે, તે જાણવાનો અધિકાર દરેક નાગરિકનો છે. લોકોના આરોગ્ય અને સુરક્ષા કાજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 11 હજારથી વધુ ફૂડ સંચાલકોને રસોડામાં CCTV કેમેરા લગાવવા તાકીદ કરી છે. હવે ડાઇનિંગ એરિયાની સ્ક્રીન પર કિચનની કામગીરીનું લાઈવ પ્રસારણ દેખાશે, જેથી જે અન્ન આપણે આરોગીએ છીએ તેની શુદ્ધતા સીધી નજર સામે જોઈ શકાશે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શુદ્ધ ખોરાકની ખાતરી કરવા શહેરભરમાં સરપ્રાઇઝ ચેકિંગ સઘન બનાવ્યું છે. સ્થળ પર જ રેપિડ ટેસ્ટિંગ કિટ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા ઉપરાંત, 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સમાં CCTV કેમેરા લગાવવા સૂચના અપાઈ છે. રસોડાનાં આ જીવંત દ્રશ્યો રિસેપ્શન અને સીટિંગ એરિયાની સ્ક્રીન પર સીધા પ્રદર્શિત થશે.કિચનમાં પારદર્શિતા આવતા ગ્રાહકો પોતાની નજરે સ્વચ્છતા પારખીને ભોજનનો સંતોષ મેળવી શકશે. ફૂડ સેફ્ટીના નિયમો અનુસાર કાચા-પાકા ખોરાકનો અલગ સંગ્રહ, શુદ્ધ પાણી, પેસ્ટ કંટ્રોલ અને કચરાના યોગ્ય નિકાલ જેવી બાબતો ગ્રાહકો સીધી જોઈ શકશે. આ વ્યવસ્થાથી વેપારીઓ માટે ગુણવત્તા જાળવવી સહજ બનશે અને ગ્રાહક-વેપારી વચ્ચેનો પરસ્પર વિશ્વાસ વધુ સુદૃઢ થશે.
હવે હોટલ કે રેસ્ટોરન્ટની પસંદગીમાં માત્ર સ્વાદ જ નહીં, પરંતુ સ્વચ્છતા અને સુરક્ષા મુખ્ય માપદંડ રહેશે. રસોડાના બંધ દરવાજા પાછળની વાસ્તવિકતા સામે આવતા, હવે દરેક અમદાવાદી નિશ્ચિંત બનીને પોતાની મનપસંદ વાનગીઓનો નિર્ભયપણે આનંદ માણી શકશે.
