રશિયાના બ્લેક સીમાં અનમેન્ડ વેસલના હુમલા બાદ લાઇબેરિયાના ધ્વજ હેઠળના ટેન્કર “અફ્રામેક્સ રિયો” માં આગ લાગી હતી. રશિયાના પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક ઈમરજન્સી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તમામ 23 ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
મંત્રાલયે ટેલિગ્રામ પર પોસ્ટ કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે બધા ક્રૂ સભ્યો ભારતીય નાગરિકો હતા. કોઈને ઈજા થઈ નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં મંગળવારે બ્લેક સીમાં એક જહાજમાં આગ લાગી હોવાનું દેખાઈ રહ્યું છે. જેનાથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડી રહ્યા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે અગ્નિશામક દળો પાસે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે પૂરતા સંસાધનો હતા. દક્ષિણ ક્રાસ્નોદર ક્ષેત્રમાં સ્થિત રશિયન બંદર સિરિયસના સ્થાનિક અધિકારીઓએ શરૂઆતમાં ટેન્કરમાં આગ લાગી હોવાની જાણ કરી હતી. આ પછી, અધિકારીઓએ આ વિસ્તારના બીચ જાહેર જનતા માટે બંધ કરી દીધા હતા.રોઇટર્સે મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે કોઈ ક્રૂ મેમ્બર ઘાયલ થયા નથી. તાત્કાલિક ઈમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી અને ટેન્કરમાં સવાર તમામ 23 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હુમલાને કારણે બ્લેક સીમાં ક્રૂડ ઓઇલ સળગી ગયું હતું.
