ભરૂચના નેત્રંગ ખાતે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમા બાઈક ચાલક યુવકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું,જ્યારે બાઈક પર પાછળ બેઠેલ અન્ય યુવકને ઇજાઓ થઇ હતી.નેત્રંગ તાલુકાના રમણપુરા ગામે રહેતા ભરતભાઇ કરશનભાઇ વસાવા નેત્રંગ જીનબજાર ખાતે આવેલ એક દુકાનમાં નોકરી કરે છે.
ભરતભાઇનો ૧૮ વર્ષીય દિકરો સુજલ ગતરોજ તા.૯ મીના રોજ ગામમાં રહેતા તેના મિત્ર રીગ્નેશભાઇ સુરેશભાઇ વસાવા (ઉ.વ.૧૮) સાથે તેના મિત્રની મોટરસાયકલ લઇને વાંકલ ગામે કોઇ કામથી ગયા હતા. તે લોકો વાંકલ જઇને પાછા ફરતા હતા તે દરમિયાન સાંજના પોણા છ વાગ્યાના અરસામાં નેત્રંગ જીનબજાર અને ચાર રસ્તા વચ્ચે ચાર રસ્તા તરફથી આવતી એક ફોર વ્હિલર કાર આ યુવકની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક સુજલને માથામાં ગંભીર ઇજા થઇ હોઇ બેભાન થઇ ગયો હતો,જ્યારે તેની સાથેના રીગ્નેશને પણ ઇજાઓ થઇ હતી. મોટરસાયકલ સવાર બન્ને યુવકોને એમ્બ્યુલન્સમાં નેત્રંગ સરકારી દવાખાને લઇ જવાયા હતા,જ્યાં ફરજ પરના તબીબે તપાસીને સુજલને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત સંદર્ભે કાર ચાલક ભાવિક અમૃતભાઇ રાંગાણી રહે.નેત્રંગ જિ.ભરૂચના વિરૂધ્ધ નેત્રંગ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
