ભરૂચના નેત્રંગનો બનાવ

કોડવાવમાં ઘર્ષણના દ્રશ્યો

સ્થાનિકો અને અનુયાયીઓ વચ્ચે ઘર્ષણ

વિડીયો થયો વાયરલ, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના નેત્રંગ તાલુકાના કોડવાવ ગામમાં આશ્રમ નિર્માણને લઈને સ્થાનિકો અને વિશ્વબંધુ પરિવાર ફાઉન્ડેશનના અનુયાયીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. બંને જૂથ વચ્ચે થયેલા ટશનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

રૂચના નેત્રંગના કોડવાવ ગામની આદિવાસી પટ્ટીમાં વિશ્વબંધુ પરિવાર ફાઉન્ડેશન દ્વારા સાકેત ધામ આશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો છે. આશ્રમના નિર્માણ માટે JCB સહિતના સાધનો સાથે અનુયાયીઓ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, સ્થાનિકોએ તેનો વિરોધ કરતાં બંને પક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા ત્રણ દાયકાથી આ જમીન પર ખેતી કરી રહ્યા છે અને જમીન પર તેમનો હક હોવાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ, વિશ્વબંધુ પરિવાર ફાઉન્ડેશન દ્વારા જમીન ખરીદવામાં આવી હોવાનું અને ખરીદેલી જમીન પર આશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જમીનના હક્કને લઈને બંને પક્ષના અલગ-અલગ દાવા વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના વિવાદનો મામલો હજુ ઉકેલાયો નથી, ત્યારે હવે ભરૂચના આદિવાસી પટ્ટામાં જમીન અને આશ્રમ નિર્માણને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે.હાલ સમગ્ર મામલે બંને પક્ષે FIR નોંધાવવાનું ટાળ્યું છે અને પોલીસ સમક્ષ અરજીઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ તપાસ બાદ જમીનના હક્ક અને સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે.