રાજ્યમાં ચાંદીપુરા વાયરસના સંક્રમણને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે. જિલ્લામાં વાયરસના સંક્રમણને અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ સઘન સર્વેલન્સ અને આગોતરા આયોજનની કામગીરી હાથ ધરવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિને ધ્યાને રાખીને DHS પ્રોગ્રામ કમિટી, CHC અને PIU સમીક્ષા બેઠક તેમજ ચાંદીપુરા પીડિયાટ્રિક (બાળરોગ) સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો હોવાથી, બાળકોની વિશેષ સારવાર અને વ્યવસ્થાપન માટે ખાસ પીડિયાટ્રિક બેઠકનું આયોજન કરીને તકેદારીના પગલાંની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની સજ્જતા ચકાસવા માટે કલેક્ટર ડૉ.નવનાથ ગવહાણે દ્વારા KMCRI મેડિકલ કોલેજની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મહત્વપૂર્ણ સુવિધાઓ અને સજ્જતાની સમીક્ષા કરી હતી. સ્પેશિયલ વોર્ડની તૈયારીઓ, સંભાવિત દર્દીઓની તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજમાં ખાસ આઇસોલેશન વોર્ડ, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં કાર્યરત વેન્ટિલેટરની સ્થિતિ વગેરે ચકાસવામાં આવી હતી.
