ભરૂચ એલ.સી.બી. પી.આઈ. એમ.પી. વાળાને ખાનગી બાતમી મળી હતી કે, ભરૂચના આમદડા ગામ પાસે દહેજ રોડ ઉપર આવેલ ડ્રીમ કોમ્પ્લેક્ષમાં બંધ બોડીના આઈસરમાંથી વિદેશી દારૂ ઉતારી ગોડાઉનમાં સંતાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે PSI વી.પી. મલ્હોત્રા અને ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

રેઇડ દરમિયાન ડ્રીમ કોમ્પ્લેક્ષના ગોડાઉન અને બંધ બોડીના આઈસર ટેમ્પામાંથી વિદેશી દારૂના 1048 બોક્ષ મળી આવ્યા હતા. LCB એ ₹75.45 લાખનો જંગી દારૂના જથ્થો, કન્ટેનર અને કાર મળી કુલ 90.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સ્થળ પરથી બાડમેરના પ્રકાશ કેશરામ ચૌધરીની ધરપકડ કરાઈ હતી.

આ વિપુલ જથ્થો બનાસકાંઠાના હાર્દિક ચૌધરી, મહેસાણાના મીત પ્રજાપતિના કહેવાથી દારૂનો જથ્થો ગોડાઉનમાં સંતાડી નાની ગાડીઓ દ્વારા આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરવાનો હતો. દરોડામાં નાસી છૂટેલા હાર્દિક ચૌધરી, મીત પ્રજાપતિ, નિલેશ ચૌધરી, વિનેશ અને આઈસરના ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરાયા હતા.