દહેજ GIDCની હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં આજે સવારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં દાઝી જતાં એક કામદારનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાની દહેજ GIDC સ્થિત હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આજે સવારે ભીષણ આગ લાગી હતી, જેને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કામદારનું દાઝી જવાથી મોત થયું હતું, પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે કંપની સત્તાધીશોની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિમાની ઓર્ગેનિક કંપની એગ્રો કેમિકલનું ઉત્પાદન કરતી હોવાનું જાણવા મળ્યું છે. હિમાની ઓર્ગેનિક કંપનીમાં લાગેલી આગના ધુમાડા દૂર-દૂર સુધી જોવા મળ્યાં હતાં, જેને પગલે લોકોનાં ટોળેટોળાં પણ ઘટનાસ્થળે એકત્ર થઇ ગયાં હતાં.