દેશમાં લાગુ કરવામાં આવેલાં કૃષિ કાયદાઓના વિરોધમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. ગુરૂવારના રોજ કોંગ્રેસ દ્વારા દરેક તાલુકા મથક ખાતે કૃષિ બિલની હોળીનો કાર્યક્રમ આપ્યો હતો. ભરૂચમાં કૃષિ બિલની હોળી કરી રહેલાં આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
દેશમાં લાગુ કરવામાં આવેલાં નવા કૃષિ કાયદાઓથી ખાનગી કંપનીઓને ફાયદો થનારો હોવાથી ખેડુતો વિરોધ કરી રહયાં છે. પંજાબ અને હરિયાણાના ખેડુતો દીલ્હી સરહદ પર આંદોલન કરી રહયાં છે. સરકાર તેમને દીલ્હીમાં પ્રવેશવાની મંજુરી આપી રહી નથી. ખેડુત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ હવે ખુલીને બહાર આવી છે. ગુરૂવારના રોજ દરેક તાલુકા મથકે કૃષિ બિલની હોળીનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ ખાતે આવેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.