/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/06164730/maxresdefault-71.jpg)
ભરૂચ અને નર્મદા જીલ્લામાં બહોળું કાર્યક્ષેત્ર ધરાવતી દૂધધારા ડેરીના પ્રમુખ પદે ધનશ્યામ પટેલ અને ઉપપ્રમુખ પદે મહેશ વસાવાની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે દૂધધારા ડેરીના અગ્રણીઓએ નવા નિમાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ અને નર્મદા જીલ્લામાં દૂધધારા ડેરીના ડિરેક્ટરોની અગાઉના સમયમાં ચૂંટણી યોજાઇ હતી. જે ચૂંટણીમાં ધનશ્યામ પટેલના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, ત્યારે મંગળવારના રોજ દૂધધારા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે SDMની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે દૂધધારા ડેરીના પ્રમુખ પદે સતત ચોથી વખત ધનશ્યામ પટેલ અને ઉપપ્રમુખ પદે સતત બીજી વખત મહેશ વસાવાને વિજેતા જાહેર કરાયા હતા.
નવા નિમાયેલા પ્રમુખ ધનશ્યામ પટેલે જણાવ્યુ હતું કે, દૂધધારા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં સતત ચોથી વખત ડેરીના પ્રમુખ તરીકે કામ કરવાની તક મળી છે, ત્યારે આવનારા દિવસોમાં ભરૂચ-નર્મદા જીલ્લાના છેવાડાના દૂધ ઉત્પાદકોને તમામ સરકારી લાભો મળે તેવા કાર્યો કરવામાં આવશે. ઉપપ્રમુખ મહેશ વસાવાએ પણ ડેરીના ઉપરોક્ત વિકાસ અંગે પોતાના યોગદાનની ખાતરી આપી હતી. આ પ્રસંગે દૂધધારા ડેરીના ડિરેક્ટર તેમજ અગ્રણીઓએ નવા નિમાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.