ભરૂચ : દિવાળીમાં તિથિઓને ક્ષયનું ગ્રહણ નડયું : રાતના બદલે દિવસે કરવી પડશે પુજા

New Update
ભરૂચ :  દિવાળીમાં તિથિઓને ક્ષયનું ગ્રહણ નડયું : રાતના બદલે દિવસે કરવી પડશે પુજા

ચાલુ વર્ષે કોરોના વાયરસના સંક્રમણ તેમજ દિવાળીના તહેવારોમાં  આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે, જેને કારણે ધનતેરસ-કાળીચૌદશની તિથિ અને કાળીચૌદશ-દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે. આ કારણોસર ચોપડા પુજન તેમજ કાળીચૌદશની વિધિ રાતના બદલે દિવસે કરવી પડે તેવા સંજોગો ઉભા થયાં છે.

આ વર્ષે 13 નવેમ્બર, શુક્રવારે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે, જે 14 નવેમ્બરે શનિવારે બપોરે 2.18 વાગ્યા સુધી રહેશે. કાળીચૌદશની વિશિષ્ટ પૂજા, મંત્ર-તંત્રની ઉપાસના શનિવારે સૂર્યોદય બાદ જ કરી શકાશે.કાળીચૌદશમાં ઉપાસના રાતને બદલે દિવસે કરવાનો સંયોગ 32 વર્ષ પછી આવી રહ્યો છે.

14 નવેમ્બર, શનિવારે બપોરે 2.18 વાગ્યાથી દિવાળીની તિથિ શરૂ થાય છે. જે 15 નવેમ્બરે  સવારે 10.37 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન નવા વર્ષનાં ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન કરી શકાશે.તિથિ મળતી ન હોવાથી રવિવારે પડતર દિવસ રહેશે. જ્યોતિષશાસ્ત્રની માન્યતા અનુસાર, પડતર દિવસે નવા વર્ષના વેપાર-ધંધાનું મુહૂર્ત કરવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે મુહૂર્ત કરવાથી ધંધામાં બરકત રહેતી નથી. હિંદુ પંચાંગ મુજબ, નવું વર્ષ 16 નવેમ્બર, સોમવારે ઉદિત તિથિથી પ્રારંભ થશે. જોકે આ દિવસે બીજનો ક્ષય હોવાથી ભાઈબીજ પણ સાથે જ મનાવાશે. ભૌગોલિક પરિસ્થિતિ અને પંચાંગ અનુસાર કોઈ વખત તિથિનો ક્ષય થતો હોય છે.

Latest Stories