ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે રોજબરોજ વકરતી ટ્રાફિકજામની સમસ્યા, વાહનચાલકો માટે માથાના દુ:ખાવા સમાન

New Update
ભરૂચ : ગોલ્ડન બ્રિજ ખાતે રોજબરોજ વકરતી ટ્રાફિકજામની સમસ્યા, વાહનચાલકો માટે માથાના દુ:ખાવા સમાન

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નં. 8 પર નર્મદા નદી પર આવેલ ગોલ્ડન બ્રિજ તેમજ નેશનલ હાઇવે નં. 48 ઉપર ટ્રાફિકજામની સમસ્યાથી અનેક વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દરરોજ પીક અવર્સમાં જ સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા હોવા છતાં તંત્ર કે, સંબંધિત વિભાગ દ્વારા કાયમી ધોરણે નિરાકરણ નહીં આવતા વાહનચાલકો સહિત કામકાજ અને નોકરી-ધંધાર્થે જતા લોકોને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે.

ભરૂચ શહેર તથા જીલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે અનેક માર્ગો ખખડધજ બન્યા છે. જોકે વાહનચાલકોના પૈડાની ગતિ ધીમી પડતાં હાઇવે તેમજ શહેરમાં રોજિંદા ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થવા લાગ્યું છે, ત્યારે નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજના સમાંતર બની રહેલ મા નર્મદામૈયા બ્રીજનું કામ પણ વર્ષોથી ચાલી રહ્યું છે. જોકે કોંગ્રેસના ભારે વિરોધ અને રજૂઆત બાદ આ બ્રિજને 800 મીટર સુધી લંબાવવામાં પણ આવ્યો છે, ત્યારે બ્રિજના નિર્માણ કાર્યમાં વિલંબ અને બ્રિજની કામગીરીના પગલે ગોલ્ડન બ્રિજના બન્ને તરફ રોજિંદા ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.

જોકે ટ્રાફીકજામની સમસ્યા હોવા છતાં તંત્ર કે, જવાબદાર અધિકારીઓ અને ભરૂચના રાજકીય નેતાઓએ પણ રસ લેવાનું છોડી દીધું છે. જેના કારણે અનેક વાહનચાલકોને પારાવાર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ધંધા-રોજગાર અને નોકરી ઉપર જવા માટે થતાં વિલંબને લઈને સ્થાનિકોમાં પણ જનપ્રતિનિધિ તેમજ અધિકારીઓ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.