ભરૂચની કલરવ સ્કૂલમાં આવતા દિવ્યાંગ બાળકોને ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ પણ શીખવવામાં આવે છે.
દિવાળી પર્વ હવે ઘર આંગણે આવીને ઊભું છે. ત્યારે સૌ કોઈ આ પર્વને મનાવવા માટે અનેક પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. તો બીજી તરફ શાળાઓમાં પણ આગામી સોમવારથી દિવાળી વેકેશન શરૂ થઈ જવાનું છે. આવા સંજોગોમાં ભરૂચ ખાતે આવેલી દિવ્યાંગોની શાળા એટલે કલરવ સ્કૂલ. આ સ્કૂલનાં બાળકો વાર તહેવારે તેમની મહેનત થકી અનેક હાથ બનાવટની વસ્તુઓ બનવતા હોય છે. જેનું તહેવારોમાં વેચાણ કરી આ બાળકોને પગભર કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.
ભરૂચની કલરવ સ્કૂલમાં આવતા દિવ્યાંગ બાળકોને સંસ્થા દ્વારા અનેક પ્રકારનાં હુનર શીખવાડવામાં આવે છે, અને તેના થકી આ બાળકોમાં રહેલી સ્કિલને બહાર લાવી ભવિષ્યમાં કેવી રીતે પગભર કરી શકાય તે માટે પ્રયત્નો કરવામાં આવે છે, અને અહીં આવતા બાળકો પણ જાણે હમ ભી કિસીસે કમ નહીં તેવા વિચાર સાથે અવનવી વસ્તુઓ બનાવવામાં માહિર બની જાય છે. બાળકો દ્વારા વાર તહેવારે અનેક ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. અને તેનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એખ તરફ તેમનાં હાથ વણાંટ થકી તેમની કલાને બિરદાવવામાં આવે છે. તો બીજી તરફ તેમણે મહેનત થકી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી તેમાંથી થતી આવક બાળકોનાં વિવિધ કાર્યો માટે વાપરવામાં આવે છે.