જે.પી.કોલેજ સ્થિત ઓડિટોરિયમ હૉલ ખાતે કાર્યક્રમ યોજાયો

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ-ગુજરાત પ્રદેશ દ્વારા આયોજન કરાયું

સમાજના તેજસ્વી તારલાઓ અને શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડો. ઇન્દ્રેશકુમારની ઉપસ્થિતી

દેશની એકતા અને અખંડતા આજે પણ અતૂટ : ડો. ઇન્દ્રેશકુમાર

ભરૂચ શહેરની જે.પી.કોલેજ સ્થિત ઓડિટોરિયમ ખાતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ-ગુજરાત પ્રદેશ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મુસ્લિમ રાષ્ટ્રીય મંચ-ગુજરાત પ્રદેશ દ્વારા ભરૂચ શહેરની જે.પી.કોલેજ સ્થિત ઓડિટોરિયમ ખાતે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીનીઓના પ્રાર્થના ગીત દ્વારા કરવામાં આવી હતી. સમારોહ દરમિયાન PhD, MBBS તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ સાથે સફળતા મેળવનાર 400થી વધુ મુસ્લિમ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ટ્રોફી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં પદ્મશ્રી હાજી કાસમ મીર રમકડું પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું ડૉ. ઇન્દ્રેશ કુમારના હસ્તે શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ પ્રચારક, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડો. ઇન્દ્રેશકુમારએ જણાવ્યુ હતું કે, શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી સાધન છે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રાષ્ટ્રભાવના, સંસ્કાર, શિસ્ત અને સેવાભાવ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. આ સાથે જ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના જીવનમાંથી પ્રેરણા લઈ જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રસેવાના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. ભારત દેશ સર્વધર્મ સંભાવના ધરાવે છે. તેથી દેશની એકતા અને અખંડતા આજે પણ અતૂટ છે, જ્યારે અયોધ્યા રામ મંદિર દાન ચોરી મુદ્દે પણ તેઓએ દેશને જલ્દીથી ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક, ડો. શાહિદ અખ્તર, ગુજરાત પ્રદેશ ક્ષેત્રીય સંયોજક સલીમખાન પઠાણ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રાજુ હાલાણી, છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક સહિતના આમંત્રિત મહેમાનો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.