ઇસ્લામને આતંકવાદ સાથે જોડવા બદલ ટીકાઓનો સામનો કરી રહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સામે ભરૂચના મુસ્લિમ સમુદાયે વિરોધ પ્રદર્શન યોજયું હતું.
ફ્રાન્સ હાલ ધાર્મિક સંઘર્ષના કારણે વિવાદોની એરણે આવી ચઢયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ઇસ્લામને આતંકવાદ સાથે જોડતાં મુસ્લિમ સમુદાય વિરોધ કરી રહયો છે. આ બધાની વચ્ચે તેમણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મેક્રોએ શનિવારે કહ્યું કે તેઓ મુસ્લિમોનું સન્માન કરે છે. હું સમજી શકું છું કે મુસ્લિમ પયગંબર મોહમ્મદના કાર્ટૂન બનાવવાથી દુખી છે. આ બધુ હોવા છતાં, આના જવાબમાં હિંસા સહન કરી શકાતી નથી.
ધાર્મિક સંઘર્ષને કારણે બે અઠવાડિયામાં થયેલા બે હુમલાઓએ ફ્રાંસને હચમચાવી નાખ્યું છે. પ્રથમ વિવાદાસ્પદ કાર્ટૂન બતાવનાર શિક્ષકનું માથું તેના જ વિદ્યાર્થીએ કાપી નાંખ્યું. બાદમાં, નીસ શહેરમાં ચર્ચની બહાર છરી મારીને એક મહિલા સહિત ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. શનિવારે પણ એક અજાણ્યા બંદૂકધારીએ ચર્ચમાં પાદરીને ગોળી મારી હતી. ફ્રાન્સમાં ચાલી રહેલા સંઘર્ષના વિરોધમાં ભરુચના મુસ્લિમ આગેવાનોએ કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજયું હતું.