પવિત્ર શ્રાવણ માસનો હિન્દુ ધર્મમાં અનેરો મહિમા

‘મીની સોમનાથ’ તરીકે ખ્યાતિ પામ્યું કંબોઇ ધામ

શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહેરામણ ઉમટ્યું

વડોદરાનો સંઘ કાવડ લઈને કંબોઇ ધામ પહોચ્યો

મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

દક્ષિણ ગુજરાતના ‘મીની સોમનાથ’ તરીકે ખ્યાતિ પામેલા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે માનવ મહેરામણ ઊમટ્યું હતું.

શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવ પાર્થેશ્વર પૂજાનો શિવભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભોળાનાથને રિઝવવા શિવભક્તો બિલિપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના પવિત્ર દ્રવ્યોથી પૂજા-અર્ચના કરવા પહોચ્યા હતા. દક્ષિણ ગુજરાતના ‘મીની સોમનાથ’ તરીકે ખ્યાતિ પામેલા કંબોઇ સ્તંભેશ્વર તીર્થક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભાવિક ભક્તોને સુવિધાપૂર્વક દર્શન-પૂજનનો લાભ મળી રહે તે માટે મંદિર પરિસરમાં સફાઈ, લાઈટિંગ, બેરિકેડિંગ, પાણી અને સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે મહીસાગર સંગમ પાવન ભૂમિ પર સ્થિત આ પ્રાચીન તીર્થ અંગે એવી માન્યતા છે કે, ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન માત્રથી મનુષ્યની આધી, વ્યાધી અને ઉપાધિ દૂર થાય છે, અને સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

જંબુસર તાલુકાના અતિ પવિત્ર યાત્રાધામ કંબોઈ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે માનવ મહેરામણ ઉમટ્યું હતું, જ્યાં મહાદેવજીને સાક્ષાત સમુદ્ર દેવ દિવસમાં 2 વખત અભિષેક કરવા આવે છે. જે નજારો અલોકિક હોય છે. સમુદ્રમાં ભરતીના સમય પૂર્વે અહી વિશેષ પૂજન થાય છે, અને ત્યાર બાદ ધીમે ધીમે સમુદ્ર શિવજીને પોતાના આગોશમાં સમાવી લે છે, ત્યારે આજે સોમવાર નિમિત્તે વડોદરાના માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સભ્યોનો સંઘ કાવડ લઈને વાજતે ગાજતે સ્તંભેશ્વર મહાદેવના સાનિધ્યમાં પહોચ્યો હતો, જ્યાં દેવાધિદેવ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરી તમામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.