-
ભરૂચ સી ડિવિઝન પોલીસને મળી સફળતા
-
રૂ.1.24 કરોડની છેતરપીંડીના આરોપીની ધરપકડ
-
છેતરપિંડી આચરી મલેશિયા થયો હતો ફરાર
-
બેંગ્લોર એરપોર્ટ પર આવતા જ કરી ધરપકડ
-
અનેક લોકોને બનાવ્યા હતા નિશાન
ભરૂચ: રૂ.1.24 કરોડની છેતરપિંડી આચરી મલેશિયા ફરાર થઇ ગયેલ મહાઠગની સી ડિવિઝન પોલીસે કરી ધરપકડ
બેંગ્લોર પોલીસે એરપોર્ટ પરથી જ આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ ભરૂચ સી ડીવીઝન પોલીસની ટીમ બેંગ્લોર પહોંચી આરોપીની કસ્ટડી મેળવી ભરૂચ લાવી.... ગુજરાત | સમાચાર
ભરૂચ શહેરના સી-ડિવિઝન પોલીસે વર્ષ 2024 માં ખોટા લોન સેન્કશન લેટર, એફ.ડી.ના બનાવટી દસ્તાવેજો અને વિવિધ યોજનાઓના બહાના હેઠળ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી વિદેશ ફરાર થઇ ગયેલ મહાઠગને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે
ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકે વર્ષ-2024 દરમિયાન નોંધાયેલી ફરિયાદ અનુસાર ઝાડેશ્વર રોડ સ્થિત રામવાટિકા સોસાયટીમાં રહેતા અને દ્રષ્ટિ કાર સ્પા નામે વ્યવસાય કરતા દિપનભાઈ અરૂણભાઈ દલાલે ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને યુ.કે.માં અભ્યાસ માટે મોકલવાની પ્રક્રિયા દરમ્યાન યતિન શાહે પોતાના સંપર્કો દ્વારા વિઝા અપાવી આપવાની ખાતરી આપી હતી.
ફરિયાદ મુજબ યતિન શાહે યુ.કે. એમ્બેસીમાં પોતાની ઓળખાણ હોવાનું જણાવી દિપનભાઈના પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિઝા પ્રોસેસ માટે બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન બતાવવાની જરૂર હોવાનું કહી દિપનભાઈની પત્નીના ખાતામાં રહેલા રૂ.21.95 લાખ પોતાના દીકરા અરહમ શાહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.આ પછી પણ વિઝા પ્રક્રિયા પૂર્ણ ન થતા દિપનભાઈએ રૂપિયા પરત માંગતા આરોપીએ તેમના નામે SIDBI બેંકમાં રૂ.22 લાખની એફ.ડી. કરાવ્યાનો ખોટો લેટર વોટ્સએપ પર મોકલ્યો હતો. બાદમાં દીકરીના નામે ICICI બેંકમાંથી રૂ.24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થયાનું ખોટું સહી- સિક્કાવાળું લોન સેન્કશન લેટર પણ આપ્યું હતું.
જોકે આ દસ્તાવેજોની તપાસ કરતા SIDBI અને ICICI બેંકના અધિકારીઓએ બંને લેટર ખોટા અને બનાવટી હોવાનું જણાવ્યું હતું. જેથી દિપનભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ભાન થયું હતું. ફરિયાદમાં વધુમાં સામે આવ્યું હતું કે યતિન શાહે માત્ર દિપનભાઈ જ નહીં પરંતુ અન્ય અનેક લોકોને પણ મુદ્રા લોન, પ્રધાનમંત્રી સબસીડી યોજના,મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ અને એજ્યુકેશન લોનમાં સબસીડી અપાવવાના બહાના હેઠળ છેતર્યા હતા.
પોલીસ તપાસ મુજબ આરોપીએ અલગ અલગ લોકો પાસેથી કુલ રૂ.1.24 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ગુનો નોંધાયા બાદ આરોપી યતિન શાહ ભારત છોડીને મલેશિયા ભાગી ગયો હતો. જેના પગલે ભરૂચ સી ડીવીઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ રાજ્યોમાં નેટવર્ક સક્રિય કરી તેની શોધખોળ શરૂ કરી હતી.
આ દરમિયાન આરોપી મલેશિયાથી ભારત પરત ફરી રહ્યો હોવાની માહિતી મળતા બેંગ્લોર એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.જેના આધારે બેંગ્લોર પોલીસે એરપોર્ટ પરથી જ આરોપીને ઝડપી લીધો હતો.ત્યારબાદ ભરૂચ સી ડીવીઝન પોલીસની ટીમ બેંગ્લોર પહોંચી આરોપીની કસ્ટડી મેળવી ભરૂચ લાવી હતી.
