સમગ્ર વિશ્વમાં પહેલી ડીસેમ્બરના રોજ એઇડસ દિવસની ઉજવવામાં આવે છે ત્યારે રાજયમાં એચઆઇવી પોઝીટીવ લોકો માટે કાર્યરત ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઇવી ( એઇડસ) પોઝીટીવ સંસ્થાના પ્રતિનિધિઓએ કનેકટ ગુજરાતના કાર્યાલય તથા સ્ટુડીયોની મુલાકાત લીધી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ ચેનલના યોગેશ પારીકનું સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું.
સામાન્ય સંજોગોમાં એઇડસથી પીડાતા દર્દીઓથી લોકો દુર રહેવાનું પસંદ કરતાં હોય છે ત્યારે એઇડસથી પીડાતા દર્દીઓ માટે સેવા કરવી એ પડકારજનક કાર્ય છે. આ પડકારજનક કાર્યને ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચઆઇવી પોઝીટીવ સંસ્થા સુપેર પાર પાડી રહી છે. મોટા ભાગના લોકો તેમની કામગીરીથી અજાણ છે પણ પહેલી ડીસેમ્બર વિશ્વ એઇડસ દિવસ નિમિત્તે કનેકટ ગુજરાત તરફથી સંસ્થાના પ્રતિનિધિઓએ કાર્યાલય તેમજ સ્ટુડીયોની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સતીષભાઇ મિસ્ત્રી અને નિમિષાબેન પટેલના હસ્તે કનેકટ ગુજરાતના યોગેશ પારીકનું સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, યોગેશ પારીક વર્ષોથી આ સંસ્થાના માધ્યમથી એઇડસથી પીડાતા લોકો માટે મદદરૂપ બની રહયાં છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, અમે જાનની પરવા કર્યા વિના દર્દીઓના ઘર સુધી દવા પહોંચાડી હતી. અત્યાર સુધીમાં જિલ્લામાં 1,700 જેટલા એઇડસના દર્દીઓ સારવાર લઇ રહયાં છે. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત દવા તથા પૌષ્ટીક આહાર લેવાથી એચઆઇવી પોઝીટીવ માંથી નેગેટીવ થઇ શકાય છે અને હાલમાં બે બાળકોને નેગેટીવ કરવામાં સફળતા મળી છે. એચઆઇવીના દર્દીઓથી દુર ભાગવાના બદલે થોડી સલામતી અને કાળજી લઇ તેમને પ્રેમ અને હુંફ આપવામાં આવે તો તેમના જીવનમાં પણ ખુશીનો ઉજાસ પાથરી શકાય તેમ છે. ચાલુ વર્ષે” વૈશ્વિક ભાગીદારી અને સહયારી જવાબદારી’ ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કનેકટ ગુજરાતની ટીમ તથા જીએસએનટી પ્લસના પ્રમુખ રસિકભાઇ ભુવાએ જેહમત ઉઠાવી હતી.