/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/11180206/maxresdefault-129.jpg)
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે કારતકી પુર્ણિમાના મેળાનો પ્રારંભ થયો
છે. અગિયારસથી શરૂ થયેલા મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાાળુઓ ઉમટી રહયાં છે.
પાવન સલિલા મા નર્મદા નદીના કિનારે આવેલાં શુકલતીર્થ ગામમાં દર વર્ષે
કારતકી પુર્ણિમાના દિવસે ભાતીગળ મેળો ભરાય છે. આમ તો મેળાનો પ્રારંભ દેવ ઉઠી
અગિયારસના દિવસથી થાય છે પણ પુનમના દિવસે માનવ મહેરામણ ઉમટી પડે છે. શુકલતીર્થમાં
શુકલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. કારતકી મહિનામાં શુકલેશ્વર મહાદેવના
દર્શનનું મહત્વ રહેલું છે. દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મેળામાં ઉમટી
પડતાં હોય છે. શ્રધ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખી એસટી વિભાગ તરફથી વધારાની બસો
દોડાવવામાં આવી રહી છે. મેળાની પરંપરા મુજબ આસપાસના ગામોના લોકોએ મેળામાં તંબુઓ
તાણી દીધાં છે. ગ્રામ પંચાયત તરફથી મેળાને અનુલક્ષી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી
છે. મેળામાં આવેલા લોકોએ નર્મદા નદીમાં સ્નાનનો પણ લાભ લીધો હતો.