ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમી આધારે શ્રવણ ચોકડી પર વોચ ગોઠવી હતી.

જોલવા ખાતે રહેતો અને મુળ બિહારનો અભિનંદન નામનો શખ્સ નાર્કોટિક્સ સિન્થેટીક્સ ડ્રગ્સ સાથે શ્રવણ ચોકડી પાસેથી પસાર થવાનો હતો. બાતમી મુજબ તુટેલા નંબર પ્લેટ વાળી બાઇક પર આવેલાં શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતાં તેણે તેનું નામ અભિનંદન વિજય રામદેવ ચૌબે હોવાનું કબુલ્યું હતું. તેની તલાશી લેતાં એક પ્લાસ્ટિકની પારદર્શક પાઉચમાં આછા કોફી કલરનો દાણાદાર પાવડર સ્વરૂપનો પદાર્થ ભરેલો હતો. ટીમે તેની પાસેથી શંકાસ્પદ પાવડર, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાવડરનું એનડીપીએસ કીટ દ્વારા પરિક્ષણ કરાતાં 24.95 ગ્રામ નાર્કોટિક્સ સિન્થેટીક્સ ડ્રગ્સ હોવાનું માલુમ પડ્યું હતું. ગત 7 એપ્રિલે ભરૂચ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી વડોદરા ગયો હતો. જ્યાં રેલવે સ્ટેશનની બહાર આવી રજવાડી ચ્હાની દુકાન પર ફૈસલ નામના શખ્સ પાસેથી તેણે 29 હજારમાં જથ્થો ખરીદ્યો હતો. જે છુટક વેચવાનો હતો.