મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશનો 27 વર્ષીય રાજકરણ યાદવ નામનો યુવક ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત લિગ્નાઇટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. આ યુવક ગતરોજ અન્ય સાથી કર્મીઓ સાથે માઈન્સમાં કામ કરતો હતો, ત્યારે એકાએક માટી ધસડતા યુવક મશીન સહિત માટીમાં દબાય જતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
જોકે, યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા, જ્યારે રાજકરણ મશીન સમેત માટીમાં દબાય ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકરણ જે મશીનમાં કામ કરતો હતો, તે મશીનની કેબિન AC હોવાથી તેની બારીઓ બંધ હતી. જેને લઇને તેનો અવાજ બહાર કોઇને સંભળાયો નહીં હોય તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
માઇન્સમાં માટીમાં દબાતા મશીન ઓપરેટરનું મોત નિપજતા અન્ય સાથી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો. તો બીજી તરફ, રાજપારડી પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
