ભરૂચ જિલ્લાના ઝઘડિયાના અવિધા ગામે પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં 19 વર્ષીય યુવક તણાઈ જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે તારીખ ૨૩મી જુલાઇ ગુરુવારના રોજ પડેલા મુસળધાર વરસાદને કારણે અવિધા ગામ પાસે આવેલી ભૂંડવા ખાડીમાં પૂર આવ્યું હતું. દરમિયાન ગામમાં રહેતો 19 વર્ષીય યુવક સુનિલ વસાવા પોતાના ઘરની પાછળ કુદરતી હાજતે જવા માટે નીકળ્યો હતો. આ સમયે અચાનક પગ લપસી જતા સુનિલ સીધો ભૂંડવા ખાડીના બેકાબૂ વહેણમાં ખાબક્યો હતો અને જોતજોતામાં તણાઈ ગયો હતો.
યુવક તણાયો હોવાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ ઝઘડિયા પોલીસ અને ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા ખાડી અને આસપાસના વિસ્તારમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જોકે હજી સુધી 19 વર્ષીય સુનિલ વસાવાનો કોઈ પત્તો લાગ્યો નથી. અને ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
