ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે નર્મદા નદીના કિનારે ભેંસો ચરાવવા ગયેલા રામજી માનસિંગ રબારી નામના 60 વર્ષીય વૃધ્ધને મગર પાણીમાં ખેંચી જતા મોત નીપજ્યું.
ઝઘડીયા તાલુકાના લીમોદરા ગામે નર્મદા નદીના કિનારે સવારે દસેક વાગ્યાના અરસામાં લીમોદરા ગામના જ રામજી માનસિંહ રબારી નામના વ્યક્તિ ભેંસો ચારવા ગયાં હતાં, તે સમયે નર્મદા નદીમાંથી એક મહાકાય મગર અચાનક તેઓને પાણીમાં ખેંચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કલાકોની શોધખોળ બાદ વૃધ્ધના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. લીમોદરા ગામના વૃધ્ધને મગર પાણીમાં ખેંચી જતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું.
