ભરૂચ : લોકડાઉનમાં ઊભું કરાયેલ શાક માર્કેટ હટાવાતા વિક્રેતાઓમાં રોષ

New Update
ભરૂચ : લોકડાઉનમાં ઊભું કરાયેલ શાક માર્કેટ હટાવાતા વિક્રેતાઓમાં રોષ

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર લોકડાઉન દરમિયાન ઊભું કરવામાં આવેલ શાક માર્કેટ ટ્રાફિકને અડચણરૂપ થતાં પાલિકા દ્વારા હટાવવામાં આવ્યું હતું. શાકભાજી માર્કેટનું દબાણ હટાવાતા લારી ધારકો રોષે ભરાયા હતા અને ડીવાયએસપી કચેરીએ વૈકલ્પિક સુવિધા આપવા રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Advertisment

ભરૂચ શહેરના પાંચબત્તીથી શક્તિનાથ જતાં મુખ્ય માર્ગ પરના શાકભાજી માર્કેટને નગરપાલિકા દ્વારા આજરોજ હટાવવામાં આવ્યું હતું. માર્કેટ અડચણરૂપ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવતી જેને લઈને પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી. જોકે, શાકભાજી વેચી પેટિયું રળતા લારી ધારકો રોષે ભરાયા હતા. એક તરફ કોરોના મહામારી અને લોકડાઉનને લઈને ગરીબ અને મધ્યમવર્ગની આર્થિક પરિસ્થિતી નબળી બની છે. ત્યારે લોકડાઉન દરમિયાન ઊભું કરવામાં આવેલ શાકભાજી માર્કેટને ટ્રાફિકને અડચણરૂપ થતાં ધંધો કરતાં શાકભાજી વિક્રેતાઓને હટાવવામાં આવ્યા હતા. દરમિયાન લારી ધારકોમાં રોષ ફેલાયો હતો. પાલિકાની કામગીરી સામે લારી ધારકો ડીવાયએસપીની કચેરીએ પહોંચ્યા હતા અને વૈકલ્પિક સુવિધા આપવા રજૂઆત કરી હતી. શાકભાજી વેચી ગુજરાન ચલાવતા લારી ધારકોએ આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે, અમને અલગ જગ્યા આપો નહીં તો ઝેર આપી દો.

Advertisment