જંબુસર ખાતે "જંબુસર તાલુકા રોહિત સમાજ"નું આયોજન
રોહિત સમાજના યુવક-યુવતીઓનો પસંદગી મેળો યોજાયો
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી રહ્યા વિશેષ ઉપસ્થિત
ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે "જંબુસર તાલુકા રોહિત સમાજ" દ્વારા લગ્નોત્સુક યુવક-યુવતીઓનો પસંદગી મેળો યોજાયો હતો. સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડૉ. આંબેડકર રાષ્ટીય સેવા સંઘ સંચાલિત, જંબુસર તાલુકા રોહિત સમાજ દ્વારા સમાજમાં જાગૃતિ અને પરિવર્તન લાવવાના હેતુસર અવાર નવાર કાર્યક્રમો થતાં રહે છે. આ સમારંભનું ઉદ્દઘાટન દીપ પ્રગટાવી "જય ભીમના" નારા સાથે ગુજરાત કોંગ્રેસના યુવા લડવૈયા નેતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આવનાર અતિથીઓ અને મહાનુભાવોનું પુષ્પગુચ્છથી તેમજ શાબ્દિક સ્વાગત ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકા રોહિત સમાજ દ્વારા કાર્યક્રમના મુખ્ય મહેમાન અને અધ્યક્ષ જીગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્યનું "રોહિત રત્ન" એવોર્ડથી સન્માન ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસ મકવાણા અને ઉપપ્રમુખ વલ્લભ રોહિત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સક્રિય કાર્યકરો અને મહેનુભવોનું પણ રોહિત રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ લગ્નોત્સુક 90 જેટલા યુવક-યુવતીઓએ ઓનલાઇન અને ઓફલાઈન બાયોડેટા આપી, મંચ પર આવી પોતાની કારકિર્દી અને ભવિષ્યના લગ્નસાથી કેવો હોવો જોઈએ તે અંગે પોતાની ઈચ્છાઓ પ્રગટ કરી હતી. ઉપસ્થિત મેદનીને જીગ્નેશ મેવાણીએ સંબોધતા સંઘર્ષ કરી એક જૂથ થઇ સમાજના લોકોને ખોટા સામે અવાજ ઉઠાવવા હાકલ કરી હતી. આ પ્રસંગે સ્વ. અહેમદ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલ, જંબુસરના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, સંસ્થાના મહામંત્રી દલસુખ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.