ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક રાજપીપળા રોડ પર આવેલ સોનમ સુરમ્ય સોસાયટી નજીક ઇકો કાર ચાલકને આતરી 4 ઈસમોએ અંગત અદાવતે મારામારી કરી રોકડ રકમ સહિત મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામમાં રહેતા વિશાલ વિનોદ વસાવા ખાનગી કંપનીમાં ડ્રાઈવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગતરોજ રાત્રિના સમયે ઝઘડિયા જીઆઈડીસીની એબોર્ટ કંપની પરથી ઇકો કારમાં સિક્યુરિટીના માણસોને અંકલેશ્વર ખાતે મુકવા ગયા હતા, અને ત્યાંથી પરત કંપની તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર-રાજપીપળા રોડ પર આવેલ સોનમ સુરમ્ય સોસાયટી નજીક વાલિયા રોડ પર આવેલ ગોપાલનગર ખાતે રહેતા 4 ઈસમોએ તેને આંતરી લઈ ઉછીના આપેલ 5 હજાર રૂપિયા તાત્કાલિક માંગતા વિશાલે તેને 2-3 દિવસમાં આપવાનું કહેતા ચારેય ઈસમોએ યુવાનને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો. એટલું જ નહીં, યુવાનના ખિસ્સામાં રહેલ રોકડ રકમ 13 હજાર સહિત મોબાઈલ ફોન મળી કુલ રૂ. 27 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે જીઆઈડીસી પોલીસે લૂંટ અંગેની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ ચારેય ઇસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.