પૂર અસરગ્રસ્ત બોરભાઠા બેટના ગ્રામજનોમાં રોષ
ગ્રામ પંચાયત કચેરી ખાતે લોકોએ કર્યો હલ્લાબોલ
સરકારી સહાય હજુ સુધી નહીં મળતા કરી રજૂઆત
નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત બોરભાઠા બેટ ગામના લોકોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ કરી પૂર સહાય મળી ન હોવાના આક્ષેપ કર્યા હતા. જેના પગલે તલાટીએ આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆતની ખાતરી આપી હતી. નર્મદાના પૂરે ભરૂચ-અંક્લેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. પૂરના પાણી ઓસરતાં તંત્ર દ્વારા રાહત કાર્ય સાથે સહાયની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે વિશેષ સહાય પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કેટલીયે સહાય ચૂકવવામાં પણ આવી છે. પરંતુ સૌથી વધુ અસરગ્રસ્ત એવા જૂના બોરભાઠા બેટ ગામમાં હજુ કેટલાયે અસરગ્રસ્તો સહાયથી વંચિત છે, ત્યારે આવા પરિવારજનોએ બોર ભાઠા ગ્રામ પંચાયત પર હલ્લાબોલ કરી તેઓને સરકારી સહાય મળી ન હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. અસરગ્રસ્ત લોકો ની રજૂઆત બાદ ગ્રામ પંચાયતના તલાટીએ આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆતની ખાતરી આપવા સાથે ટેકનિકલ કારણોસર કેટલાક લોકોની સહાય હજુ તેઓના બેંક ખાતામાં જમાં થઈ નથી, જે આગામી દિવસોમાં જમા થઇ જશે તેવી હૈયાધારણા આપી હતી.