/connect-gujarat/media/post_banners/cd74ed81a282e99afb7ca64dc4172b2b00fa4bc2a7042740ef1fe528bae28abb.jpg)
મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરની ભરૂચમાં કામગીરી
ગુડ્ઝ ટ્રેનના ડબલ ટ્રેક માટે દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરી
કામગીરીના કારણે સ્ટેટ હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો
મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેનના અલાયદા ડબલ ટ્રેક માટે દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરી સોમવારે હાથ ધરાઈ હતી.જેને લઈ ભરૂચ-દહેજ માર્ગ વન વે કરાતા કિલોમીટરો લાંબો ચક્કાજામ દિવસભર રહ્યો હતો.
ભરૂચમાંથી પણ બુલેટ ટ્રેન નજીકથી જ એક્સપ્રેસ વે અને ફ્રેઈટ કોરિડોર પસાર થઈ રહ્યાં છે. ત્રણેયની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. જોકે ભરૂચ-દહેજ સ્ટેટ હાઇવે ઉપર સતત ભારે ટ્રાફિકના 24 કલાક ભારણને લઈ દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરિડોરના ગડર બેસાડવામાં અડચણ આવી રહી હતી. ટાટા ગ્રુપની એક્સપ્રેસ ફ્રેઇટ કન્સોર્ટિયમને ગુડ્ઝ ટ્રેનના ત્રીજા ટ્રેક માટે પ્રોજેકટ મળ્યો છે. જેના દ્વારા ભરૂચ-દહેજ રોડ ઉપર દહેગામ નજીક ગડર બેસાડવા પ્રોજકટ કંપની દ્વારા અગાઉ 29થી 31 ડિસેમ્બર સુધી બ્લોક લેવા સાથે ડાયવરઝનની માંગ કરાઈ હતી.જેમાં ત્રણ દિવસ ભરૂચ, થામ, વાગરા, ઓચ્છણ, મુલેર, પણીયાદરા થઈ દહેજ રોડ જવા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવનાર હતો. જોકે સતત ટ્રાફીકને લઈ જે તે સમયે ગડર લોન્ચિંગની કામગીરી પડતી મુકાઈ હતી.આજે સોમવારે ભરૂચ દહેજ માર્ગ વન વે કરી ફ્રેઈટ કોરિડોર ઉપર ગડર બેસાડવાની કામગીરી મહાકાય ક્રેનો વડે હાથ ધરાઈ હતી. ભરૂચ-દહેજ માર્ગને વન વે કરવામાં આવતા દિવસભર વાહનોની લાંબી કતારો વચ્ચે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. એક જ લેન ઉપરથી બન્ને તરફનો વાહન વ્યવહાર પસાર કરવામાં આવતા લોકોને કલાકો સુધી સ્ટેટ હાઇવે ઉપર જામમાં ફસાવાનો વારો આવ્યો હતો.