Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સામાન્ય વરસાદમાં જ રૂ. ૩ કરોડનો સેવાશ્રમ પેવર બ્લોક રોડ બેસી ગયો, કામગીરીમાં ભ્રષ્ટાચાર : વિપક્ષ

X

સેવાશ્રમ પેવર બ્લોક રસ્તાનું લોકાર્પણ પહેલા સર્જાયો વિવાદ

પ્રથમ સામાન્ય વરસાદમાં જ પેવર બ્લોક બેસી જતા હાલાકી

રૂ. 3 કરોડના ખર્ચે થતી કામગીરીમાં થયો ભ્રષ્ટાચાર : વિપક્ષ

ભરૂચ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, તેવામાં બુધવારની સવારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેના પગલે ભરૂચમાં પાંચબત્તીથી શક્તિનાથ સુધી રૂ. ૩ કરોડના પેવર બ્લોકની પાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. પ્રથમ અને સામાન્ય વરસાદમાં જ રૂ. 3 કરોડના ખર્ચે બની રહેલા પેવર બ્લોક ઠેક ઠેકાણે જમીનમાં બેસી ગયા હોવાની ઘટના સામે આવતા ખાડાઓ પડી રહ્યા છે, ત્યારે પેવર બ્લોકની કામગીરી સાથે કુંડી ઉપર લગાવવામાં આવેલા ઢાંકણાઓ તૂટવાનું પણ યથાવત રહ્યું છે. જેના પગલે રોડની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. લોકો હાલ તો પોતાના જીવના જોખમે પણ આ માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ, માર્ગના કામમાં ભ્રષ્ટાચાર અને ગોબાચારી થતી હોવાનો પાલિકા વિપક્ષના સભ્યોએ આક્ષેપ કર્યો છે. તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરએ પોતાનું કામ ચાલુ રાખ્યું છે. જોકે, નગરપાલિકાએ પણ કોન્ટ્રાક્ટરને વારંવાર નોટિસ આપી છે, તેમ છતાં પણ ગુણવત્તાયુક્ત કામ ન થતું હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા છે. જેના પગલે આગામી દિવસોમાં વિપક્ષ મેદાનમાં ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હોવાનું સામે આવ્યું છે.

Next Story