Connect Gujarat
ભરૂચ

ભરૂચ : "એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે મહા શ્રમદાન કાર્યક્રમ યોજાયો, ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

X

"એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

સાફ-સફાઈ કરી લોકોને પોતાના શહેરને સ્વચ્છ રાખવા અપીલ

“સ્વચ્છતા હી સેવા” થકી સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય ગાંધી બાપુને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવા હેતુસર "એક તારીખ, એક કલાક"ના સૂત્ર સાથે ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં મહા શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા. 1 ઓક્ટોબર 2023ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ "એક તારીખ, એક કલાક" સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ગારબેજ ફ્રી ઈન્ડિયાની થીમ સાથે તમામ ગામ કચરા મુક્ત બને તે માટે સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો તેમજ ગામના જાહેર સ્થળો કે, જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ મહા શ્રમદાન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનો મુખ્ય અભિગમ રહ્યો છે, ત્યારે ભરૂચ શહેરના ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ જ્યોતિનગર સહિતના વિસ્તારો, જ્યારે ભરૂચ નગરપાલિકાના વિસ્તારમાં આવતા તમામ વોર્ડમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલ સ્ટેચ્યું પાર્ક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આટી પહેરાવી મહા શ્રમદાનના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.વી.ડાંગી સહિત જિલ્લા પંચાયતના સદસ્યો, પદાધિકારી અને અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

તો બીજી તરફ, ભરૂચની બેંક ઓફ બરોડાની ક્ષેત્રીય શાખા દ્વારા પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે શહેરના શીતલ સર્કલ નજીક આવેલ બેંક ઓફ બરોડા ક્ષેત્રિય કાર્યલયના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા નર્મદા મૈયા બ્રિજ નીચેથી શીતલ સર્કલ સુધી સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં બેંકના ક્ષેત્રિય પ્રબંધક રાજ કર્ણ, ઉપક્ષેત્રિય પ્રમુખ રાકેશકુમાર મિશ્રા, બેંકના પ્રમુખ જીજ્ઞેશ પરમાર સહિત મોટી સંખ્યામાં બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story