/connect-gujarat/media/post_banners/17edae55dfe65598c7fcf0457689b1c3815d8890c0aa55d83246093496c1197f.webp)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણ-જોલવા માર્ગ પર GEB ચોકડીની આજુબાજુમાં સરકારી જમીન પર રસ્તાની ગટરને પુરાણ કરી ગેરકાયદે કરવામાં આવેલ દબાણ મુદ્દે કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ચર્ચા થઇ હતી. જેના પગલે ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ દૂર કરવા માટે દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી.
જોકે, PWD વિભાગના અધિકારીએ GEB ચોકડી ખાતે આવી દબાણકર્તાઓને સૂચના આપી હતી કે, જો આવતીકાલ સુધીમાં આ દબાણ સ્વયંભૂ નહીં હટાવવામાં આવે તો JCB મશીનની મદદ વડે તમામ દબાણો તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેના પગલે તા. 11 સપ્ટેમ્બરને સોમવારના રોજ માર્ગની બાજુમાં દબાણ કરેલ કેબિન ધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરવામાં જોતરાઈ ગયા હતા. વાગરા વિસ્તારના કેટલાક ધંધાર્થી નવયુવાનો, ગરીબ મહિલાઓ વગેરે પોતાની રોજી-રોટી માટે રોડથી થોડેક દૂર કેબિન ગોઠવી અને ખાણી-પીણીનો સામાન વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેવામાં ગત તારીખ 9મી ઓગષ્ટના રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, રસ્તાની ગટરો ઉપર પુરાણ કરી પાણી અટકાવી દેવાને લઈને કેબિનો દિન 7'માં લારી-ગલ્લા ખસેડી લેવા સૂચના અપાઈ હતી. જેના પગલે કેટલાક કેબિન ધારકોએ નોટિસ મળતા જ પોતાની કેબિનો ક્રેઇનની મદદથી હટાવી લીધી હતી. તેમજ તેમાં મુકેલો માલ-સમાન કાઢી પતરાં, થાંભલા, એંગલો સ્વયંભુ ખસેડી લઈ અને જગ્યાને ખુલ્લી કરવામાં જોતરાઈ ગયા હતા. જોકે, તેઓની રોજી રોટી છીનવાઇ જતાં કેટલાક કેબિન માલિકોમાં નિરાશા જોવા મળી હતી. અત્રે નોંધનીય એ છે કે, ઔદ્યોગિક હબ ગણાતો વાગરા એ તાલુકાનુ મુખ્ય મથક છે. વાગરા તાલુકામાં 4 GIDC આવેલી છે. જેમાં નાના-મોટા સેંકડો ઉદ્યોગો સ્થાપિત થયા છે. જેને લઈ અહીંયા ઘણા લોકો રોજી-રોટી માટે સ્થાયી થયા છે. GEB ચોકડી એ વાગરા-દહેજને જોડતો માર્ગ હોવાથી અહીંયાથી દિવસ દરમિયાન સેકંડો વાહનો પસાર થાય છે. સતત વાહનોથી ધમધમતો માર્ગ હોવાથી વાગરાની GEB ચોકડી ખાતે રોજીરોટી માટે કેટલાક લોકોએ ચા, નાસ્તો, હોટલ, જનરલ સ્ટોર અને ઓટો ગેરેજ સહિત ખાણી-પીણીના સ્ટોલ ઉભા કરી ધંધો કરી રહ્યા હતા. તો બીજી તરફ, માર્ગ અને મકાન વિભાગની નોટિસને લઈ પંથકમાં રોડની સાઈડમાં દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી પ્રસરી જાવા પામી છે.