દુનિયાના કોઇ પણ ખૂણામાં વસેલો ગુજરાતી તેના સંસ્કાર અને માતૃભૂમિને ભૂલતો નથી તેનું તાદ્રશ ઉદાહરણ ભરૂચના ઇલાવ ગામના પટેલ પરિવારની દીકરીએ પુરૂ પાડયું છે. વતનથી સાત સમંદર પાર રહેતી અમિતા પટેલે ઇલાવ ગામના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ પાસે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ભગવાન સત્યનારાયણની કથા કરાવી છે.
સાંપ્રત સમયમાં ટેકનોલોજીએ હરણફાળ ભરી છે ત્યારે દુનિયા હવે માનવીની આંગળીના ટેરવે આવી ચૂકી છે. ટેકનોલોજી અને સંસ્કારનું સુભગ મિલન મૂળ હાંસોટ તાલુકાના ઇલાવ ગામના વતની અને અમેરિકાના ટેકસાસમાં સ્થાયી થયેલાં અમિતા પટેલે કરાવ્યું છે. ઇલાવની દીકરીના લગ્ન વમલેશ્વર ગામમાં દિપકભાઈ પટેલ સાથે થયાં હતાં અને હાલ તેઓ અમેરિકામાં સ્થાયી છે. અમેરિકામાં પણ કર્મકાંડી બ્રાહ્મણો હોવા છતાં તેમણે માતૃભૂમિ પ્રત્યે અનોખી લાગણી બતાવી વિશેષ પ્રકારની સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું. તેમણે તેમના વતન ઇલાવના કર્મકાંડી અને કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ પાસે વિડિયો કોન્ફરન્સથી કથા કરાવી હતી. કથાકાર ધનેન્દ્ર વ્યાસે છેવાડાના ઇલાવ ગામે બેસી લેપટોપ અને મોબાઈલ પર ઓનલાઇન ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરાવી પટેલ પરિવારને શુભાષિશ આપ્યાં હતાં. આ કથા સાડા 3 કલાક સુધી ચાલી હતી. ધનેન્દ્ર વ્યાસે ચિત્રકૂટમાં શ્રી રામ કથા,હરિદ્વાર અને વૃંદાવનમાં ભાગવત કથા કરી છે.