શુક્લતીર્થમાં 2 દિવસીય તીર્થોત્સવની કરાશે ઉજવણી
તીર્થોત્સવની તૈયારીને તંત્ર દ્વારા અપાયો આખરી ઓપ
ગુજરાતના લોકપ્રિય ગાયકો દ્વારા કરાશે લોકડાયરા
ભરૂચ તાલુકામાં પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં શુક્લતીર્થ ગામમાં તા. 25 અને 26 ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી તીર્થોત્સવની ઉજવણી કરવામાં આવશે. શુક્લતીર્થ ખાતે દર વર્ષે કારતકી પૂર્ણિમાનો મોટો મેળો ભરાય છે, જ્યાં ઓમનાથ વિષ્ણુ ભગવાનનું સુપ્રસિધ્ધ મંદિર પણ આવેલું છે. અહીં બિરાજમાન ભગવાન વિષ્ણુની પ્રતિમા શ્વેત રંગની રેતીમાંથી નિર્માણ પામી છે. તથા સ્વયંભૂ હોવાથી તેનું માહાત્મ્ય વધુ બેવડાય છે. અહી ભગવાનના 3 અવસ્થાના દર્શન થાય છે.
શુક્લતીર્થની ખ્યાતિ વધારવા તથા વધુમાં વધુ લોકો પ્રવાસન સ્થળની મુલાકાતે આવે તે માટે દર વર્ષે શુક્લતીર્થ ગામે 2 દિવસીય તીર્થોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આ તીર્થોત્સવમાં ગુજરાતના લોકપ્રિય ગાયક ગીતા રબારી અને કમલેશ બારોટના લોકડાયરાનું પણ આયોજન કરાયું છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાની જનતા તીર્થોત્સવમાં સહભાગી થઈ આનંદ માણે તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.