ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ભાજપ શાસિત નગરપાલિકામાં કોન્ટ્રકટરોને લીલાલેર હોય તેમ લાગી રહ્યું છે. સિવિલના કામો રાખીને બેફામ ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રકટરો દ્વારા તેમના કામમાં પાણીની પણ ચોરી કરીને ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે સમગ્ર ઘટના બાબતે પાલિકા પ્રમુખે પાણીની ચોરી કરી પાલિકાને આર્થિક નુકશાનીમાં મુકતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
આમોદ નગરપાલિકા સંચાલિત વૉટર વર્કસની ટાંકીમાંથી કોન્ટ્રાક્ટરો, પંપ ઓપરેટર અને પાલિકા કર્મચારીઓની મિલીભગતથી બારોબાર પાણી આપી દેવામાં આવતું હોવાની બૂમો ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદ પાલિકાના સિવિલના કામ કરતા કોન્ટ્રાક્ટરો પાલિકાનું પાણી પણ રૂપિયા આપ્યા વગર બારોબાર ચોરી કરીને સિવિલના કામમાં વાપરે છે. આમોદ પાલિકા દ્વારા ધાર્મિક બાબતો સિવાય પાણીના ટેન્કરના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પાલિકાનું પોતાનું ટેન્કર હોય તો નગરજનો પાસેથી ૭૦૦ રૂપિયા પાણીનો ભાવ વસુલાય છે, જ્યારે ખાનગી માલિકનું ટેન્કર હોય તો ટેન્કર દીઠ ૩૦૦ રૂપિયા વસુલ કરવામાં આવે છે. જેમાં પાલિકા સત્તાધીશોએ જ નિયમ બનાવ્યો હતો કે, પાલિકામાંથી પાણીના રૂપિયા ભર્યાની રસીદ બતાવ્યા બાદ જ વૉટર વર્કસ ઉપર કામ કરતા કર્મચારીએ પાણીનું ટેન્કર ભરી આપવાનું હોય છે. પરંતુ પંપ ઓપરેટર તેમજ પાલિકા કર્મચારીની મિલીભગતથી પાણીના ટેન્કર બારોબાર ભરી આપવામાં આવે છે. જેથી નગરપાલિકાને પાણીની આવક ન મળતા આર્થિક નુકશાની વેઠવી પડે છે. એક તરફ, આમોદ નગરપાલિકાના શાસકો નગરજનો પાસેથી ખાસ પાણી વેરો અને સામાન્ય પાણી વેરો લઈને લાખો રૂપિયાની કડક ઉઘરાણી કરે છે, ત્યારે બીજી તરફ, પાણીના ટેન્કરો વડે કોન્ટ્રાક્ટરો અને કર્મચારીની મિલભગતથી બારોબાર પાણીની ચોરી કરવામાં આવે છે. જેનાથી પાલિકાની પાણીની આવકને ફટકો પડે છે. આ ઉપરાંત વૉટર વર્કસ ઉપર સીસીટીવી કેમેરા પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેથી કોન્ટ્રકટરોને પાણી ચોરીને લઈ જવા માટે મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ બાબતે વૉટર વર્કસ ઉપર કામ કરતા પંપ ઓપરેટરે જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટરનો ડ્રાઇવર તેમનું ટેન્કર લઈને પાણી ભરવા આવ્યો હતો. જેથી રસીદ લીધી નથી, જ્યારે અન્ય એક ટેન્કર પણ પાણી ભર્યાની રસીદ વગર જ પાણી ભરવા આવ્યું હતું. આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે, પાણીના રૂપિયા ભર્યાની રસીદ બતાવ્યા બાદ જ ઓપરેટરને ટેન્કર ભરવાનું કહ્યું છે. છતાં તેમણે રસીદ વગર પાણીનું ટેન્કર ભર્યું હશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વૉટર વર્કસ ઉપર સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં છે, જે પણ ટુક સમયમાં ચાલુ કરવામાં આવશે.