ભરૂચ ભાજપનું 30 વર્ષના રાજમાં સામી લોકસભાની ચૂંટણીએ સ્થાનિક નેતાગીરી જ ધનોપનોત કાઢી રહી છે. ભરૂચ નગરની 2 લાખ જનતા પાલિકાના પાપે અને અણઘડ વહીવટના કારણે ટૂંકા ગાળામાં ત્રીજી વખત અંધારા ઉલેચવા મજબુર બની છે. સોમવારની રાતથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પાલિકાનું સાથે જ મુખ્ય માર્ગોનું વીજ જોડાણ કાપી નાખ્યું છે.
ભરૂચ પાલિકા શાસકોના અંધેર અને અણઘડ વહીવટને લીધે નગરજનોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. પાલિકાનું ઓફિસનું તથા સ્ટ્રીટ લાઈટનું કરોડોનું બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પાલિકાના શાસકોને વારંવાર બિલ ભરપાઈ કરવા માટે નોટીસ મોકલી હોવા છતાં પાલિકાએ બિલ ભરપાઈ નહીં કરતા નગરનું સ્ટ્રીટ લાઈટનું જોડાણ વીજ કંપનીએ કાપી નાખવાનું શરૂ કર્યું છે. આગામી દિવસોમાં જો બિલ ભરપાઈ નહિ કરાયું તો વોટર વર્ક્સના જોડાણો પણ કપાતા ભરૂચ શહેરની પ્રજાને ભર શિયાળે પાલિકા શાસકોના પાપે પાણી માટે પણ તરસવું પડશે.