ગીરની GI ટેગ કેસર કેરીનો જથ્થો પ્રોસેસ કરાયો
ઝઘડીયાથી કેસર કેરી સાઉથ આફ્રિકામાં પહોચશે
તાલુકાનું નામ વિદેશમાં ગુંજતું થતાં લોકોમાં ગર્વ
ગુજરાત રાજ્યની મીઠી મધુર કેસર કેરી અત્યાર સુધી અન્ય રાજ્યોથી વિદેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. જોકે, હવે સૌપ્રથમવાર આ સીઝનમાં કેસર કેરી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી સીધી સાઉથ આફ્રિકાના બજારોમાં મોકલવામાં આવી છે. ઝઘડીયાના ઉમલ્લા ગામ નજીક આવેલા ABNN ફ્રેશ પેક હાઉસના ડાયરેક્ટર નાગેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, અત્રેના પેક હાઉસમાં કેરીઓના જથ્થાને ખૂબ જ જીવણટભરી રીતે પ્રોસેસ કરવામાં આવે છે. હાલ ભારતના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાંથી વિવિધ ખાણી-પીણીની ચીજવસ્તુઓની વિદેશોમાં નિકાશ કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદની એક એકસ્પોર્ટર કંપની દ્વારા ગીરની GI ટેગ પ્રકારની કેસર કેરીનો જથ્થો પ્રોસેસ કરી ઉચ્ચ ક્વોલિટીના પેકિંગમાં ભારત દેશથી સૌપ્રથમવાર સાઉથ આફ્રિકા મોકલવામાં આવ્યો છે. ગુજરાતની કેસર કેરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, અને તેની નિકાસ પણ સારી એવી થાય છે. ગુજરાતમાં દર વર્ષે 3થી 5 લાખ ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. વેપારીઓ તેમજ નિકાસકારોના મતે કેસર કેરીના કુલ ઉત્પાદનમાંથી 20થી 25% કેરી જાપાન, અમેરિકા, ગલ્ફના દેશો, યુરોપ, કેનેડા સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 2021ના વર્ષમાં ઝઘડીયા તાલુકામાંથી પ્રથમ વખત ડ્રેગન ફ્રુટ એટલે કે, કમલમ ફ્રુટનો જથ્થો યુકે લંડન મોકલવામાં આવ્યો હતો. આમ ઝઘડીયા તાલુકામાંથી બહારના દેશોમાં કેસર કેરી,કેળા, ડ્રેગન ફ્રુટનો જથ્થો રવાના કરવામાં આવતા તાલુકાનું નામ દેશ-વિદેશમાં ગુંજતું થતાં તાલુકાના લોકોમાં ગર્વ સાથે ખુશાલીનો માહોલ છવાયો છે.