હવે, અંકલેશ્વરમાંથી પણ ઝડપાયું નકલી માર્કશીટનું “કૌભાંડ”, 45 નકલી માર્કશીટ સાથે પોલીસે કરી 2 ઇસમોની ધરપકડ...

2 ઇસમોને નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપી પાડી 45 માર્કશીટની પ્રિન્ટ મળી કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
હવે, અંકલેશ્વરમાંથી પણ ઝડપાયું નકલી માર્કશીટનું “કૌભાંડ”, 45 નકલી માર્કશીટ સાથે પોલીસે કરી 2 ઇસમોની ધરપકડ...

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રાધે ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા યુવાન સહિત 2 ઇસમોને નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપી પાડી 45 માર્કશીટની પ્રિન્ટ મળી કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ એલસીબીના પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિતનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રાધે ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતો નિરંજન નિર્મળ રાય ITIની અલગ અલગ માર્કશીટ બનાવી આપે છે, અને તે સજ્જન ઈન્ડિયા કંપનીમાં હાજર હોવાની બાતમીના આધારે પોલીસે કંપની બહાર જઈ તેને બહાર બોલાવી ફોન ચેક કરતાં તેમાંથી અંકલેશ્વર ITIના અલગ અલગ ટ્રેડની માર્કશીટ અને ગુજરાત બોર્ડની ધોરણ-10 તેમજ ઉત્તરપ્રદેશ શિક્ષણ બોર્ડની PDF ફાઈલો મળી આવી હતી.

જોકે, પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેણે એક માર્કશીટ પાછળ 5થી 10 હજાર રૂપિયા લેવા સાથે આ કૌભાંડમાં કોસમડી ગામની સાઈ શ્રધ્ધા રેસિડેન્સીમાં રહેતો તેનો મિત્ર વિવેકસિંગ મદનસિંગ ગ્રાહક શોધી આપતો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે ITIની અલગ અલગ માર્કશીટ અંગે વિવેકને પૂછતાં તેણે પાનોલી જીઆઈડીસીની કંપનીઓમાં નોકરી કરી હોવાથી જરૂરિયાત મુજબ યુવાનો પાસેથી રૂ. 10થી 12 હજાર લઈ નકલી માર્કશીટ બનાવી આપતા હોવાની કબૂલાત કરી હતી,

ત્યારે હાલ તો પોલીસે બન્ને ઇસમોની શંકાસ્પદ રીતે અટકાયત કરી 45 માર્કશીટની પ્રિન્ટ અને 5 ફોન મળી કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બન્ને ઇસમોએ છેલ્લા 5 વર્ષમાં 30થી 35 નકલી માર્કશીટ બનાવી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Latest Stories